ભારતમાં વસ્તીનું બંધારણ Bharat ma Vasti Nu Bandharan

ભારતીય સમાજના રચનાતંત્રને – બંધારણને સમજવા માટે ભારતની વસ્તીના બંધારણનો પરિચય મેળવવો જરૂરી છે. ભારત એ વિશાળ વસ્તીવાળો દેશ છે. વસ્તી એ દરેક સમાજનો જૈવિક આધાર છે. કોઈપણ સમાજના સાતત્ય અને વિકાસમાં વસ્તી એ એક મહત્ત્વનું પરિબળ છે. વસ્તીની સંખ્યા સમાજની સંસ્થાઓના ઘડતર, વિકાસ અને પરિવર્તનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતની વસ્તી આજે 120 કરોડથી પણ વધુ છે અને ભારત વિશ્વમાં વસ્તીની સંખ્યાની દૃષ્ટિએ ચીન પછી બીજું સ્થાન ધરાવે છે. ભારતની વસ્તીનો પરિચય વસ્તીનું કદ, વસ્તીની ગીચતા, વસ્તીમાં સ્ત્રી- પુરુષનું પ્રમાણ, સાક્ષરતાનો દ૨, ગ્રામીણ અને શહેરી વસ્તીના સંદર્ભમાં આપણે મેળવીશું.

ભારતની વસ્તી (વસ્તીવૃદ્ધિનો દર અને વસ્તીનું કદ)

વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ ભારત બીજું સ્થાન ધરાવે છે. 2001ની વસ્તીગણતરી મુજબ ભારતની વસ્તી 102.7 કરોડ છે, જેમાં 53.13 કરોડ પુરુષો અને 49.57 કરોડ સ્ત્રીઓ છે. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતની વસ્તી 121.05 કરોડ છે, જેમાં 62.31 કરોડ પુરુષો અને 58.74 કરોડ સ્ત્રીઓ છે. ભારત વિશ્વના કુલ ભૂમિવિસ્તારનો 2.42 ટકા ભૂમિવિસ્તારનો ભાગ ધરાવે છે; જેમાં વિશ્વની કુલ વસ્તીના 16.7 ટકા વસ્તી વસવાટ કરે છે. આમ, ભારત ખૂબ જ વિશાળ સંખ્યાની વસ્તીનું ભરણપોષણ કરે છે. જોકે એક દિષ્ટએ આને વસ્તીવિસ્ફોટ જ કહેવાય.

વસ્તી અને વસ્તીવૃધ્ધિનો દર

વસ્તીગણતરીનું વર્ષ ભારતમાં વસ્તી વસ્તીવૃધ્ધિદર વાર્ષિક વધઘટ (ટકામાં)
1901 23.83
1911 25.20 +0.73
1921 25.12 -0.30
1931 27.80 +11.00
1941 31.36 +14.23
1951 36.10 +13.31
1961 43.72 +21.64
1971 54.82 +24.80
1981 68.52 +24.66
1991 84.63 +23.50
2001 102.7 +21.34
2011 121.05 +17.64

ઉપરના કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે 1901માં ભારતની વસ્તી 23.83 કરોડ હતી; જે વધીને 1951માં 36.10 કરોડ થઈ, પરંતુ ત્યાર પછી એટલે કે સ્વતંત્રતા પછી ભારતની વસ્તીના કદમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. જોકે છેલ્લા બે દસકામાં વસ્તીવૃદ્ધિદરમાં થોડો ઘટાડો થયો છે. ભારતમાં દિનપ્રતિદિન વસ્તીમાં થતા વધારાને લીધે 2001માં ભારતની વસ્તી 102,7 કરોડ અને 2011માં ભારતની વસ્તી 121.05 કરોડ થઈ ગઈ. જોકે 1951 પછીના દરેક દસકામાં ભારતની વસ્તીવૃદ્ધિનો દર 20 ટકાથી વધુ જ રહ્યો છે.

વસ્તીના કદની દૃષ્ટિએ જોઈએ તો ભારતનાં 29 રાજ્યોમાં ઉત્તરપ્રદેશ 19 કરોડથી વધુ વસ્તી ધરાવતું સૌથી મોટું રાજ્ય છે. જ્યારે 11 કરોડથી વધુ વસ્તી ધરાવતું મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે છે. 6 કરોડથી વધુ વસ્તી ધરાવતું ગુજરાત વસ્તીના કદની દૃષ્ટિએ દસમા ક્રમે આવે છે; જ્યારે માત્ર 64 હજારથી વધુ વસ્તી ધરાવતું લક્ષદ્વીપ છેલ્લા ક્રમે આવે છે.

આપણે એ જાણવું જોઈએ કે અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોની સરખામણીમાં ભારતનો વસ્તીવૃદ્ધિનો દર ઘણો ઊંચો છે, તેથી ભારતની સામાજિક-આર્થિક વિકાસની ગતિ ધીમી છે.

વસ્તીની ગીચતા અને તેની અસરો

વસ્તીની ગીચતા પ્રાદેશિક વિસ્તારમાં વસ્તીની કુલ સંખ્યાને આધારે ગણવામાં આવતી હોય છે. દરેક ચોરસ કિલોમીટર વિસ્તારમાં વસતા લોકોની સંખ્યાને વસ્તીની ગીચતા કહે છે. ભારતમાં વસ્તીની ગીચતા 1921માં 81 અને 1951માં 117 હતી, જે વધીને 2001માં ભારતની વસ્તીની ગીચતા 324 અને 2011માં ભારતની વસ્તીની ગીચતા 382 થઈ છે.

ભારતમાં ભૌગોલિક પરિબળો ઉપરાંત ઔદ્યોગિક વિકાસને લીધે જુદાં જુદાં રાજ્યોમાં વસ્તીની ગીચતાનું પ્રમાણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. ભારતમાં 12 રાજ્યોમાં વસ્તીની ગીચતા 324 કરતાં પણ વધુ છે. 2001માં દિલ્હીની વસ્તીની ગીચતા 9,294 થઈ છે.

ભારતમાં વસ્તીની ગીચતાની દૃષ્ટિએ ગુજરાતનો ક્રમ 21મો છે. ગુજરાતમાં 2001માં દર ચો.કિ.મી.એ વસ્તીની ગીચતા 258 જોવા મળી છે. ભારતમાં સૌથી ઓછી વસ્તીની ગીચતા અરુણાચલમાં છે. અરુણાચલમાં 2001માં વસ્તીની ગીચતા 13 જોવા મળી છે.

અસરોઃ વસ્તીની ગીચતાને લીધે જમીનની અછત, રહેઠાણોની અછત, પાણીની ત, ગંદા વસવાટો, દૂષિત હવામાન જેવા નવા પ્રશ્નો પણ સર્જાયા છે.

વસ્તીમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ (વસ્તીમાં લિંગ પ્રમાણ)

વસ્તીમાં દર હજાર પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કે સ્ત્રી-પુરુષનું પ્રમાણ કહે છે. લિંગ પ્રમાણ એ સમાજમાં જે તે સમયે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે પ્રવર્તતી સમાનતા પ્રમાણનો નિર્દેશ કરે છે. સામાન્ય રીતે જૈવિક કારણોને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો મૃત્યુદર નીચો રહે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં રોગોનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધુ હોય છે. આમ છતાં ભારતમાં સ્ત્રીઓ પરત્વેની અવગણના, પુત્રજન્મનું મહત્ત્વ, છોકરીઓમાં બાળમૃત્યુના દરનું ઊંચું પ્રમાણ, સ્ત્રીભ્રૂણ હત્યા વગેરે કારણોને લીધે ભારતની વસ્તીમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે અને દિનપ્રતિદિન સ્ત્રીઓના પ્રમાણમાં ઘટોડ થતો જાય છે. 1901માં દર હજાર પુરુષ સ્ત્રીઓનું પ્રમાણ 972, 1951માં 946, અને 2001માં 933 અને 2011માં 940 થવા પામ્યું છે. જોકે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં તેમજ ગ્રામીણ-શહેરી વિસ્તારમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે.

ભારતમાં સ્વતંત્રતા પછી વસ્તીમાં લિંગપ્રમાણમાં થયેલો ઘટાડો નીચેના કોષ્ટક પરથી જોઈ શકાય છે.

ભારતમાં લિંગ પ્રમાણ । ભારતમાં જાતી પ્રમાણ

વસ્તીગણતરીનું વર્ષ લિંગ પ્રમાણ
1951 946
1961 941
1971 932
1981 933
1991 929
2001 933
2011 940

શિક્ષણ (સાક્ષરતા)નું પ્રમાણ (સાક્ષરતા અને વયજૂથ)

કોઈપણ દેશના વિકાસનો આધાર તે દેશના નાગરિકોની સાક્ષરતા (અક્ષરજ્ઞાન)ના પ્રમાણ ઉપર રહેલો છે. 2001ની વસ્તીગણતરીમાં કોઈપણ ભાષા સમજપૂર્વક વાંચી અને લખી શકતી હોય તેવી 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને સાક્ષર ગણવામાં આવી છે. જોકે માત્ર ભાષા વાંચી શકતી હોય, પરંતુ લખી શકતી ન હોય તેવી વ્યક્તિને સાક્ષર કહી શકાય નહિ. ભારતમાં 2001ની વસ્તીગણતરી પ્રમાણે સાક્ષરતા દર 65.38 ટકા છે, જેમાં પુરુષોમાં સાક્ષરતા દર 75.85 ટકા છે અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર 54.16 ટકા છે. જ્યારે ભારતમાં 2011ની વસ્તીગણતરી પ્રમાણે સાક્ષરતા દર 74.04 ટકા છે, જેમાં પુરુષોમાં સાક્ષરતા દર 82.14 ટકા છે અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર 65.46 ટકા છે. ભારતમાં સાક્ષરતા દરમાં એટલે કે અક્ષરજ્ઞાનમાં પુરુષો અને સ્ત્રીઓમાં તફાવત જોવા મળે છે, જેમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર પુરુષોની સરખામણીમાં નીચો છે.

ભારતમાં 1951માં સાક્ષરતાનો દર 18.33 ટકા હતો, જે વધીને 1995માં 57.21 ટકા અને 2001માં 65.38 ટકા અને 11માં 74.04 ટકા થયો છે. આ દર્શાવે છે. હું છેલ્લા દસકામાં સાક્ષરતાના દરમાં પ્રમાણમાં સારો એવો વધારો થયો છે. સ્ત્રીઓના સંદર્ભમાં 1991માં સાક્ષરતાનો દર 39,29 ટકા હતો, જે વધીને 2001માં 54.6 ટકા અને 2011માં 65.48 ટકા થયો છે. આમ, છેલ્લા દસકામાં સ્ત્રીઓના સાક્ષરતાનો પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારતમાં જુદાં જુદાં રાજ્યોમાં સાક્ષરતાના દરમાં તફાવત જોવા મળે છે. સૌથી વધુ સાક્ષરતા કેરળમાં છે. કેરળનો સાક્ષરતાનો દર 90.92 ટકા છે. જયારે સાક્ષરતાનું સૌથી ઓછું પ્રમાણ બિહારમાં છે. બિહારનો સાક્ષરતાનો દર 47.53 ટકા છે. ગુજરાતમાં સાક્ષરતા દર 69.97 ટકા છે, જેમાં પુરુષોમાં 80.50 ટકા અને સ્ત્રીઓમાં 58.60 ટકા સાક્ષરતાનું પ્રમાણ છે. ગ્રામીણ અને શહેર સમુદાયોમાં પણ સાક્ષરતાના પ્રમાણમાં તફાવત જોવા મળે છે. શહેર સમુદાયોની સરખામણીમાં ગ્રામીણ સમુદાયોમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું છે.

સ્વતંત્રતા પછી ભારતમાં સાક્ષરતાના પ્રમાણમાં વધારો થાય તે માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ભારતના બંધારણ પ્રમાણે 14 વર્ષથી નાની ઉંમરના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં સર્વશિક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે; જેમાં આદિવાસીઓ, દલિતો અને અન્ય પછાત વર્ગો, લઘુમતીઓના શિક્ષણ તેમજ કન્યા કેળવણી માટે વિશિષ્ટ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાત અને કેટલાંક બીજાં રાજ્યોમાં કન્યા કેળવણી મફત થતાં સ્ત્રીશિક્ષણના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે વિકસિત દેશોની સરખામણીમાં ભારતનો સાક્ષરતા દર નીચો છે. તેથી ભારતના સામાજિક અને આર્થિક વિકાસ માટે હજુ પણ સાક્ષરતાના એટલે કે અક્ષરજ્ઞાનના પ્રમાણમાં વધારો થવો જોઈએ.

ગ્રામીણ અને શહેરી વસ્તી

ભારત એ ગામડાઓનો દેશ છે. આજે પણ ભારતની લગભગ 70 ટકા વસ્તી ગામડામાં વસવાટ કરે છે અને લગભગ 30 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરે છે. સ્વતંત્રતા પછી શહેરીકરણ અને ઉદ્યોગીકરણની પ્રક્રિયાનો આરંભ થયો. દેશની આર્થિક નીતિને આધારે જ્યાં મોટા ઉદ્યોગો સ્થપાયા ત્યાં શહેરોનો વિકાસ થયો. ગામડાંઓમાંથી શહેરોમાં સ્થળાંતરનું પ્રમાણ વધતાં શહેરી વસ્તીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

1901માં 89.2 ટકા વસ્તી ગામડામાં રહેતી હતી; જ્યારે 1951માં 82.7 ટકા વસ્તી અને 2001માં 72.22 ટકા ગ્રામીણ વસ્તી છે. તો બીજી બાજુ 1901માં 10.8 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હતી; જ્યારે 1951માં 17.5 ટકા અને 2001માં 27.78 ટકા શહેરી વસ્તી છે. 1971 પછી શહેરી વસ્તીના પ્રમાણમાં થશે વધારો થયો છે. 2001ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં 72.22 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં અને 27.78 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. જ્યારે 2011ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં 68.84 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં અને 11 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. 1991-2001ના સમયગાળા દરમિયાન ભારતની શહેરી વસ્તીમાં 5.5 ટકા વધારો થયો છે, જોકે શહેરીકરણની ઝડપી પ્રક્રિયાને લીધે શહેરોમાં રહેઠાણોની તંગી, ગંદા વસવાટો, બેકારી જેવી સમસ્યાઓ ઉદ્ભવી છે, સાથે સાથે શહેરી સમાજમાં સામાજિક સંબંધોમાં પણ પરિવર્તનો આવ્યાં છે.

વય પ્રમાણ

આધુનિક સમયમાં ભારત યુવાન સ્ત્રીપુરુષોનો-યુવાવર્ગનો દેશ છે, સ્વતંત્રતા પછી ભારતમાં બાળકોના પ્રમાણમાં અને વૃદ્ધોના પ્રમાણમાં ઘટાડો થયો છે, જ્યારે યુવાવર્ગના પ્રમાણમાં વધારો થયો છે. વય પ્રમાણ સમાજના દરજ્જાઓ, ભૂમિકાઓ અને સામાજિક સંબંધો ૫૨ વ્યાપક અસરો જન્માવે છે.

2001ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં 0 થી 14 વર્ષના વયજૂથમાં 34 ટકાથી વધુ વસ્તી, 15 થી 59 વર્ષના વયજૂથમાં 58 ટકાથી વધુ વસ્તી અને 60થી વધુ વર્ષના વયજૂથમાં 7 ટકા વસ્તી છે. આમ, ભારતમાં આ જે યુવાવસ્તીનું પ્રમાણ સવિશેષ છે. જ્યારે 2011ની વસ્તીગણતરી પ્રમાણે આ ત્રણ વયજૂથોમાં અનુક્રમે 29.5 ટકા, 62.5 ટકા અને 8.00 ટકા વસ્તી છે. જોકે 2016ના અંદાજો પ્રમાણે ભારતમાં બાળકોની વસ્તીમાં ઘટાડો થશે; જ્યારે યુવાનો અને વૃદ્ધોની વસ્તીમાં વધારો થશે. વયપ્રમાણમાં થતા આવા ફેરફારો ભારતમાં સામાજિક અને આર્થિક વિકાસ માટે નવા પડકારો ઊભા કરશે. વધતી જતી યુવાવસ્તી માટે ભારતે શિક્ષણ, કૌશલ્યતાલીમ અને રોજગારીની વધારાની સુવિધાઓ ઊભી કરવી પડશે; સાથે સાથે વૃદ્ધો માટે પણ સ્વાસ્થ્યની સવલતો ઊભી કરવી પડશે.

ઉપસંહાર

કોઈપણ દેશમાં વસ્તી અને વસ્તીનું બંધારણ સમાજની રચનાતંત્રમાં એટલે કે બંધારણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વસ્તીનાં વિવિધ પરિમાણોની અસર સામાજિક સંસ્થાઓ અને સામાજિક સંબંધો પર પડે છે. ભારતમાં અન્ય વિકસિત દેશોની સરખામણીમાં વસ્તીવૃદ્ધિનો દર ઊંચો છે. વસ્તીવિસ્ફોટ પ્રશ્નો સર્જે છે. તેથી સરકારે વસ્તીનિયંત્રણના કાર્યક્રમો અસરકારક રીતે અમલમાં મૂકવા જોઈએ. ભારતમાં વસ્તીની ગીચતામાં પણ ઉત્તરોત્તર વધારો થતો જાય છે, જે પણ નવા પ્રશ્નો ઊભા કરે છે. ભારતની વસ્તીમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી-પુરુષની અસમાના દર્શાવે છે. વિકસિત દેશોની સરખામણીમાં ભારતનો સાક્ષરતા દર નીચો છે. ભારતના સર્વાંગી વિકાસ માટે સાક્ષરતાના પ્રમાણમાં વધારો કરવો જોઈએ. ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર નીચો છે. આ બાબત સ્ત્રીઓના નીચા દરજ્જાને સૂચવે છે. ભારતમાં દિનપ્રતિદિન શહેરી વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. ઝડપી શહેરીકરણથી ઊભા થતા પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયાસો કરવા પડશે, ભારતમાં યુવાવસ્તીનું પ્રમાણ વધતું જાય છે; જે યુવાવર્ગ માટેની શિક્ષણ અને રોજગારીની વધુ સગવડો અને તકોની આવશ્યકતા દર્શાવે છે. ભારતમાં વૃદ્ધોનું પ્રમાણ પણ વધતું જાય છે, જે ભવિષ્યમાં ઊભી થનાર વૃદ્ધોની સમસ્યાઓનો નિર્દેશ કરે છે.

Leave a Comment