આદિવાસીઓના સમાજજીવનનો પરિચય

2011ની વસ્તીગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીના 8.6 ટકા લોકો અનુસૂચિત જનજાતિના છે એટલે કે આદિવાસીઓ છે. ગુજરાત રાજ્યમાં તો કુલ વસ્તીના 14.8 ટકા વસ્તી આદિવાસીઓ છે. આદિવાસી સમુદાયોમાં તેમના ધર્મ, લગ્ન, કુટુંબ, સગપણ- સંબંધવ્યવસ્થા; ઉપરાંત તેમની બોલી, ભાષા, પહેરવેશ, રહેણીકરણી, ઘરની રચના, સાંસ્કૃતિક પરંપરાઓ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. તેથી આદિવાસીઓના વિશિષ્ટ સામાજિક જીવનનો પરિચય પ્રાપ્ત કરવો જરૂરી છે.

આદિવાસી સમાજજીવનનો પરિચય

ભારતમાં વસવાટ કરતા 600 જેટલા આદિવાસી સમુદાયોના સમાજજીવનમાં – સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં વૈવિધ્ય જોવા મળે છે. આદિવાસીઓના વૈવિધ્યપૂર્ણ સમાજજીવનનો પરિચય નીચેના મુદ્દાઓ દ્વારા આપી શકાય :

  1. આદિવાસી સગપણ-સંબંધો
  2. આદિવાસી કુટુંબવ્યવસ્થા
  3. આદિવાસી લગ્નસંસ્થા
  4. આદિવાસીમાં સ્ત્રીઓનો દરજ્જો
  5. આદિવાસીમાં ધાર્મિક માન્યતાઓ
  6. આદિવાસીની સાંસ્કૃતિક પરંપરાઓ
  7. આદિવાસીની ભાષા
  8. અર્થવ્યવસ્થા
  9. આદિવાસી રાજકીય સંગઠન

1. સગપણ-સંબંધો

લગ્ન તેમજ લોહીના સંબંધો રજૂ કરતા સંબંધોને સગપણ સંબંધો કહેવામાં આવે છે. પિતા-પુત્ર, ભાઈ-બહેન, પતિ-પત્ની, સાસુ-સસરા વગેરેના પરસ્પર સંબંધોને સગપણ સંબંધો કહેવામાં આવે છે. સગપણ સંબંધોમાં દરજ્જો અને ભૂમિકા વ્યક્ત કરતા કેટલાક પારિભાષિક શબ્દો છે. વિવિધ આદિવાસી સમાજોમાં વપરાતા આવા પારિભાષિક શબ્દોમાં ભિન્નતા હોય છે. જે શબ્દ દ્વારા સંબંધ વ્યક્ત થતો હોય તે શબ્દને શબ્દસૂચક સંબંધ કહેવામાં આવે છે.

સગપણ સંબંધો પર મર્યાદા મૂકનાર સંબંધને પરિહાર સંબંધ કહેવામાં આવે છે. દા. ત., ભાઈ-બહેનના સંબંધો પર મર્યાદા મૂકવામાં આવેલી છે. સમાજમાં જોવા મળતી લાજ કાઢવાની પ્રણાલિકા પરિહાર સંબંધનું સૂચન કરે છે. સાસુ-સસરા અને જમાઈ વચ્ચેના સંબંધો અને મોટી સાળી-બનેવી વચ્ચેના સંબંધોને પરિહાર સંબંધોના વર્ગમાં મૂકવામાં આવે છે.

અમુક પ્રકારના સગપણ સબંધોમાં એકબીજાની મશ્કરી કે મજાક કરવાની છૂટ હોય છે. આ પ્રકારના સંબંધોને પરિહાસ સંબંધો કહેવામાં આવે છે. દિયર અને ભાભી, મામી અને ભાણેજના સંબંધોમાં એકબીજાની મશ્કરી કરવાની સ્વતંત્રતા હોય છે. સાળી અને બનેવી પણ એકબીજાની ઠઠ્ઠા-મશ્કરી કરી શકે છે.

આદિવાસીઓના પરસ્પર વ્યવહારમાં ઘણા તફાવતો જોવા મળે છે. દા. ત., પતિ- પત્ની એકબીજાને નામથી બોલાવતા નથી, પરંતુ પુત્ર કે પુત્રીના નામથી બોલાવે છે. પરસ્પરના વ્યવહારોમાં મામા મુખ્ય સ્થાને હોય તેવા સંબંધને મામાપ્રધાન વ્યવહાર કહેવામાં આવે છે. ફોઈબાનું વિશેષ મહત્ત્વ ધરાવતા પિતૃસત્તાક કુટુંબના વ્યવહારને ફોઈબાપ્રધાન વ્યવહાર કહેવામાં આવે છે.

આદિવાસી સમાજોમાં ગોત્ર, ગોત્રાર્ધ અને બિરાદરી વગેરેનું વિભાજન થયેલું હોય છે. સમાન ગોત્ર ધરાવતાં સ્ત્રી-પુરુષો લગ્ન કરી શકતાં નથી. ગોત્ર પ્રમાણે આદિવાસીઓમાં પણ ઉચ્ચ અને નીચના તફાવતો જોવા મળે છે.

2. કુટુંબવ્યવસ્થા

આદિવાસીઓ કુટુંબપ્રથાની બાબતમાં એકબીજાથી જુદા પડે છે. આદિવાસીઓમાં મોટે ભાગે પિતૃવંશી પ્રથા વધુ પ્રચલિત છે. અમુક આદિવાસી સમુદાયોમાં માતૃવંશી કુટુંબપ્રથા ધરાવે છે. આસામના ખાસી, ગારો વગેરેમાં માતૃવંશી કુટુંબપ્રથા પ્રવર્તે છે. ખરિયા, ભીલ, હો, ખાસા, ડોડા વગેરે આદિવાસી જાતિઓમાં પિતૃવંશી કુટુંબપ્રથા પ્રવર્તે છે. ખરિયા અને ખાસા બંને પિતૃવંશી પ્રથામાં માને છે, છતાં પણ બંનેની પિતૃવંશી કુટુંબવ્યવસ્થામાં ઘણી ભિન્નતા જોવા મળે છે. આવો તફાવત પતિ, પત્ની અને સંતાનોના અધિકારો તેમજ સ્થાનોમાં જોવા મળે છે. આદિવાસીઓનું કુટુંબજીવન સભ્યોની મૂળભૂત જરૂરિયાતો સંતોષે છે. જાતીયતા, પ્રજોત્પત્તિ વગેરે કાર્યો કુટુંબ દ્વારા થાય છે.

3. લગ્નસંસ્થા

લગ્ન અને જીવનસાથીની પસંદગી અંગેના નિયમોમાં જુદી જુદી આદિવાસી જતિઓમાં ભિન્નતા રહેલી છે. લગ્નક્ષેત્ર અને પસંદગી પર નિયંત્રણ રાખવા માટે બહિર્લગ્નના નિયમો અને જીવનસાથીની પસંદગીના નિયમો રહેલા છે. બહિર્લગ્નમાં લગ્ન પરના નિષેધો મૂકવામાં આવ્યા છે. લોહીમાં, ગોત્રમાં, વંશમાં કે પ્રદેશમાં સમાનતા હોય તો લગ્ન ન કરવા. આમ, પોતાના ગોત્ર, વંશ કે પ્રદેશની બહાર લગ્ન થઈ શકે. આ પ્રકારના નિયમોને બહિર્લગ્ન નિયમો કહેવામાં આવે છે.

આદિવાસીઓ પોતાના સમુદાયમાંથી જ લગ્નના સાથીની પસંદગી કરે છે, તેથી તેમનાં લગ્નને અંતર્વિવાહી લગ્ન કહેવામાં આવે છે. આદિવાસીઓ જીવનસાથીની પસંદગી અમુક વ્યક્તિઓ પર ઉતારે છે. દા. ત., સાવકી માતા અને પુત્રનાં લગ્ન, સાળી અને બનેવીનાં લગ્ન, દિયર અને ભોજાઈનાં લગ્ન વગેરે ઇચ્છનીય ગણાય છે. અમુક આદિવાસી પ્રજાઓમાં મામા-ફોઈનાં ભાઈ-બહેન થતાં હોય તેમની વચ્ચે લગ્ન થઈ શકે છે.

ભારતના આદિવાસી સમુદાયોમાં એકપત્નીત્વ અને બહુપત્નીત્વની પ્રથા પ્રચલિત છે. મહદંશે એકપત્નીની પ્રથા વધુ સ્વીકાર્ય ગણાય છે. અમુક આદિવાસીઓ બહુપત્ની લગ્નપ્રથાને માન્ય ગણે છે. કેટલાક આદિવાસીઓ બહુપતિ લગ્નપ્રથાને સ્વીકારે છે. આવી પ્રથા ભાતૃકીય બહુપતિપ્રથા અને અભાતૃકીય બહુપતિપ્રથા પ્રકારની હોય છે.

આદિવાસીઓમાં જીવનસાથીની પસંદગી જુદી જુદી રીતે થઈ શકે છે. આદિવાસીઓની જીવનસાથીની પસંદગીની રીતોમાં હંગામી લગ્ન, કસોટી લગ્ન, અપહરણ લગ્ન, સાટાલગ્ન વગેરે જુદી જુદી રીતો અપનાવવામાં આવે છે. આદિવાસી સમાજોમાં લગ્ન થયા પહેલાંના અને લગ્નના વર્તુળ બહારના જાતીય સંબંધો માન્ય ગણવામાં આવે છે.

4. સ્ત્રીઓનો દરજ્જો

માનવવસ્તીમાં સ્ત્રીઓ અને પુરુષોના પ્રમાણ પરથી સ્ત્રીઓના સ્થાન વિશે થોડો ખ્યાલ આવે છે. 2011માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં એક હજાર પુરુષોના પ્રમાણની સામે સ્ત્રીઓનું પ્રમાણ 940 છે, જ્યારે આદિવાસી સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ 990 છે. આવા પ્રમાણ પરથી એવું અનુમાન થઈ શકે કે સ્ત્રીઓનો દરજ્જો ઊંચો હશે.

આદિવાસી સ્ત્રીઓ સ્વતંત્રતા અને સમાનતા ધરાવે છે. સમાજની પરંપરાઓ અને રિવાજો સ્ત્રીઓ માટે ઘણા ઉદાર છે, છતાં પણ આદિવાસી સ્ત્રીઓનું સ્થાન પુરુષો કરતાં નીચું ગણવામાં આવે છે. આદિવાસી સ્ત્રીઓની બિનઆદિવાસી સ્ત્રીઓ કે ગ્રામ્ય સ્ત્રીઓ સાથે તુલના કરીએ તો જણાય છે કે આદિવાસી સ્ત્રીઓનો દરજ્જો બિનઆદિવાસી સ્ત્રીઓ કે ગામડાંઓની સ્ત્રીઓ કરતાં ઊંચો હોય છે. જોકે આરોગ્ય, શિક્ષણ વગેરે બાબતોમાં પણ સ્ત્રીઓનું સ્થાન પુરુષો કરતાં ઊતરતી કક્ષાનું છે. ખેતીપ્રધાન વ્યવસાયો ન હોય તેમાં આદિવાસી સ્ત્રીઓની સહભાગીદારી બિનઆદિવાસી સ્ત્રીઓ કરતાં ઓછી છે.

5. ધાર્મિક જીવનની માન્યતાઓ

આદિવાસી સમુદાયોની ધાર્મિકતામાં ઘણી ભિન્નતા જોવા મળે છે. તેઓ દેવદેવીઓ અને અન્ય અલૌકિક શક્તિઓની પૂજા કરવામાં માને છે. તેઓને અલોકિક શક્તિઓ અને આધિદૈવિક શક્તિઓમાં ઘણો વિશ્વાસ હોય છે. તેઓ ભૂત-પ્રેત અને દોરા-ધાગાઓમાં માને છે. તેઓ અલૌકિક તત્ત્વોની પૂજા કરે છે ત્યારે તેમની કૃપા મેળવવા ઇચ્છે છે. તેઓ આત્મા, પ્રકૃતિપૂજા, પિતૃપૂજા અને પોતાના ગોત્રના ચિહ્નની પૂજા કરે છે. તેઓ જુદાં જુદાં દેવ-દેવીઓમાં શ્રદ્ધા ધરાવતા હોવાથી અનેકેશ્વરવાદી ગણાય.

6. સાંસ્કૃતિક પરંપરાઓ

ભારતીય આદિવાસી સમુદાયોની સાંસ્કૃતિક પરંપારો ઘણી સમૃદ્ધ છે. આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાઓ જોઈએ તો જણાય છે કે તેમાં કલાનાં વિવિધ સ્વરૂપો નજરે ચડે છે. નૃત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ વગેરે કલાનાં ઘણાં સ્વરૂપો આદિવાસી સમાજોમાં જોવા મળે છે. ઉપરાંત લોકવાર્તાઓ કે લોકકલાકારો તેમની વિશિષ્ટતા છે. આદિવાસી સમાજોમાં લોકકલાઓ મનોરંજન પૂરું પાડે છે. દા. ત., નટ, સપેરા, જાદુગરો વગેરે પોતાની કલા દ્વારા મનોરંજન પૂરું પાડે છે. આવા મનોરંજન દ્વારા લોકકલાકારો આજીવિકા મેળવે છે. આમ, વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓનું આદિવાસી સમાજમાં ઘણું મહત્ત્વ રહેલું છે અને તે દ્વારા તેમનાં સંગઠનો મજબૂત બને છે.

7. ભાષા

આદિવાસી સમુદાયોની ભાષામાં ઘણી વિવિધતા જોવા મળે છે. દા. ત., અમુક આદિવાસીઓ ઇન્ડો-આર્યન વંશની ભાષાનો ઉપયોગ કરે છે. અમુક આદિવાસીઓ દ્રાવિડ ભાષાકુળની ભાષાનો ઉપયોગ કરે છે. આ રીતે ભાષાના ઉપયોગની બાબતમાં આદિવાસી પરંપરાઓ વૈવિધ્યસભર છે. આદિવાસી સમાજના લોકો બિનઆદિવાસીઓના સંપર્કમાં આવ્યા છે અને તેને લીધે તેઓ પોતાની ભાષા સિવાય બીજી ભાષાઓ શીખ્યા છે. તેને પરિણામે અમુક વિસ્તારના આદિવાસીઓ દ્વિભાષી કે ત્રિભાષી બની ગયા છે. ભાષામાં રહેલી વિવિધતાને લીધે આદિવાસી સમુદાયોમાં એકતા અને અલગતા બંને પ્રકારનાં વલણો વિકસ્યાં છે.

8. અર્થવ્યવસ્થા

ભારતમાં આદિવાસી જાતિની અર્થવ્યવસ્થા સાદી અને પરંપરાગત છે. શિકાર, પશુપાલન અને પ્રાથમિક કક્ષાની ખેતી દ્વારા અર્થવ્યવસ્થઆ ચાલે છે. તેમનું જીવનધોરણ સામાન્ય અને પ્રાથમિક કક્ષાનું હોય છે. આદિવાસી જાતિમાં શ્રમવિભાજન લિંગ કે વયના પાયા પર થયેલું છે.

9. રાજકીય સંગઠન

આદિવાસી સમુદાયમાં રાજકીય સંગઠનમાં વિશેષતા છે. આજે પણ આદિવાસી સમુદાયમાં વારસાગત સત્તા મળે છે. આદિવાસી જાતિઓમાં મુખી હોય છે, જે નિર્ણય આપે તે બધાએ સ્વીકારવો પડે છે. આદિવાસીઓ જાતિપંચ પર સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે. દરેક પ્રશ્નનો ઉકેલ જાતિપંચ લાવે છે. ગામનો વડો (મુખી) આર્થિક, રાજકીય, સામાજિક, ધાર્મિક અને નૈતિક પ્રવૃત્તિઓ ૫૨ નિયમન અને નિયંત્રણ રાખે છે.

10. કલા

આદિવાસી સમુદાયની કલાકારીગરી ધ્યાન ખેંચે તેવી છે. સ્ત્રી-પુરુષોનાં નૃત્ય ખૂબ જ લોકપ્રિય છે. ઉત્સવો અને પ્રસંગોમાં સ્ત્રી-પુરુષો પરંપરાગત નૃત્ય કરે છે. તેઓ ટોપલા બનાવે છે, સાદડી અને શેતરંજી બનાવે છે. તો કેટલાક સંગીતનાં સાધનો બનાવે છે. આ જાતિઓમાં ભીલ નૃત્ય, ડેરા સંગીત જેવી કળાઓ છે.

ઉપસંહાર

ભારતીય સમાજમાં ગ્રામ સમુદાયો અને નગર સમુદાયોથી ભિન્ન પ્રકારના સમુદાયો છે તે આદિવાસી સમુદાયો છે. ભારતનાં લગભગ બધાં જ રાજ્યોમાં આદિવાસીઓ પોતાની આગવી જીવનશૈલી અને પરંપરાગત સંસ્કૃતિ અનુસાર જીવે છે. આદિવાસીઓનું સમાજજીવન અન્ય સમુદાયો કરતાં ભિન્ન છે અને વિશિષ્ટ પણ છે. કેટલાક આદિવાસી સમુદાયો અલગતામાં અને પછાતપણામાં જીવતા હોય તેથી જો સમગ્ર ભારતની સામાજિક રચના-બંધારણનો સંપૂર્ણપણે અભ્યાસ કરવો હોય તો આદિવાસી સમુદાયોના સમાજજીવન વિશે અભ્યાસ કરવો ખૂબ જ મહત્ત્વનો છે.

Leave a Comment