આદિવાસીનો અર્થ અને તેના લક્ષણો

ભારતનાં વિવિધ સ્થળોમાં આદિવાસી જાતિઓ પથરાયેલી છે, ભારતમાં ગામડાંઓ, શહેરો અને જંગલ વિસ્તારોમાં વિવિધ રીતે જીવતા આદિવાસીઓની વિવિધ જાતિઓ જોવા મળે છે. આદિવાસી સમાજના મોટાભાગના સભ્યો પ્રાચીન સ્તર પ્રમાણે જીવન જીવી રહ્યા છે. 2001ની વસ્તીગણતરી પ્રમાણે કુલ વસ્તીના 8.2 ટકા અને 2011ની વસ્તીગણતરી પ્રમાણે કુલ વસ્તીના 8.6 ટકા આદિવાસીઓ છે. આદિવાસી જાતિઓ ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં વિસ્તરેલી છે અને એક ગણતરી પ્રમાણે આશરે 500થી વધુ આદિવાસી જાતિઓ આવેલી છે.

આદિવાસીનો અર્થ

આદિવાસીઓ માટે વિદ્વાનો જુદા જુદા શબ્દો પ્રયોજે છે. વેરિયર એલ્વીન અને ઠક્કરબાપા તેમને મૂળ વતનીઓ ગણે છે. ડૉ. ર્યે તેમને પછાત જાતિઓ ગણે છે. ભારતના બંધારણમાં આ લોકોને અનુસૂચિત આદિજાતિઓ કે આદિવાસી જનજાતિઓ કહેવામાં આવે છે. સરળ ભાષામાં ‘આદિ’ એટલે પ્રારંભના અને ‘વાસી’ એટલે રહેવાસી એવો અર્થ કરીએ તો ‘આદિવાસીઓ એટલે દેશમાં પ્રારંભથી રહેતા લોકો’ એમ કહી શકાય. ભારતના આદિવાસીઓ પહાડી પ્રદેશો, જંગલના પ્રદેશો તેમજ મેદાનમાં રહે છે.

આદિવાસી કેટલીક મહત્ત્વની વ્યાખ્યાઓ નીચે મુજબ છે :

“આદિવાસી એ પ્રદેશ, ભાષા, સામાજિક નિયમો અને આર્થિક પ્રવૃત્તિઓમાં સમાનતા ધરાવતું પ્રાદેશિક જૂથ છે.” – મુકરજી

“આદિવાસી એ પ્રાદેશિક જોડાણ ધરાવતું અંતર્વિવાહી સામાજિક જૂથ છે; જેમાં કાર્યોના વિશિષ્ટીકરણનો અભાવ છે, જેને પોતાની વિકસાવેલી શાસનવ્યવસ્થા હોય છે, જેમાં ભાષા કે બોલીની સમાનતા હોય છે તેમજ જે આદિમ પ્રણાલિકાઓ, માન્યતાઓ અને રિવાજોને અનુસરે છે.” – મજુમદાર

“આદિવાસી સમુદાય એ એવો સમુદાય છે કે જે જંગલોમાં વસે છે, પરંપરાગત જીવન જીવે છે તેમજ સામાજિક અને ધાર્મિક પાસામાં વિકસિત સમુદાયથી ભિન્નતા ધરાવે છે.” – ડૉ. ધૂર્યે

આદિવાસીનાં લક્ષણો

આદિવાસીનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે :

 1. કુટુંબોનો સમુદાય
 2. સમાન ભાષા-બોલી
 3. વિશિષ્ટ નામ
 4. નિશ્ચિત પ્રદેશ
 5. અંતર્વિવાહી જૂથ
 6. નિયમો અને વિધિનિષેધો
 7. રાજકીય સંગઠન અને પંચપ્રથા
 8. સમાન સંસ્કૃતિ
 9. કાર્યવિશિષ્ટીકરણનો અભાવ
 10. યુવાગૃહો
 11. દરજ્જાની સભાનતા
 12. ધર્મ
 13. વ્યવસાય
 14. શિક્ષણ

1. કુટુંબોનો સમુદાય

આદિવાસી સમાજ કુટુંબોનો બનેલો હોય છે. આદિવાસી સમુદાયના બધા સભ્યો એકબીજાના સગા હોતા નથી, પરંતુ દરેક આદિવાસી સમાજમાં સગપણ-સંબંધની ભાવના પ્રબળ હોય છે. તેઓ એકબીજાને દુઃખના પ્રસંગોમાં મદદ કરતા હોય છે.

2. સમાન ભાષા-બોલી

આદિવાસી જાતિના લોકો એક જ સમાન બોલીનો ઉપયોગ કરે છે. મોટેભાગે એક જ પ્રદેશમાં રહેતા લોકોની ભાષા સમાન હોય છે. દા. ત., છોટાનાગપુર પ્રદેશમાં રહેતી બે જાતિઓ મુંડા અને ઉશેવ ભાષા બોલે છે. કેટલીક જાતિઓને બે બોલી આવડતી હોય છે. ભારતના મધ્ય વિભાગની કેટલીક જાતિઓનો આમાં સમાવેશ થાય છે. તેઓ પોતાની બોલી ઉપરાંત હિંદુસ્તાની અથવા ઉડિયા કે બંગાલી પણ બોલે છે. અમુક આદિવાસી જતિઓ દ્વિભાષી કે ત્રિભાષી હોય છે. આદિવાસીઓમાં સામાન્ય રીતે લિપિનો અભાવ જોવા મળે છે.

3. વિશિષ્ટ નામ

દરેક આદિવાસી જાતિને તેનું વિશિષ્ટ પ્રકારનું નામ આપવામાં આવ્યું હોય છે. દા. ત., ભીલ, દૂબળા, ખાસા, ખાસી, ગારો વગેરે નામોથી ઓળખવામાં આવે છે. બધી આદિવાસી જાતિઓને વિશિષ્ટ નામ આપવામાં આવ્યું હોય છે અને તેને આધારે એક જાતિને બીજી જાતિથી અલગ ઓળખી શકાય છે.

4. નિશ્ચિત પ્રદેશ

દરેક આદિવાસી જાતિને પોતાનો મૂળ પ્રદેશ હોય છે. મોટેભાગે તેઓ આવા નિશ્ચિત પ્રદેશમાં વસવાટ કરે છે. દરેક આદિવાસી જાતિ એકાદ વિશિષ્ટ અને દિત ભૂમિભાગ ઉપર વસવાટ કરતો હોય છે. કેટલાક આદિવાસીઓ ફરતી ખેતી કરતા હોય છે અથવા કેટલાક આદિવાસીઓ પશુપાલન કરતા હોય છે. તેમની ચોક્કસ ભૌગોલિક સીમા હોય છે. ઔદ્યોગિક કાર્ય કે અન્ય વ્યવસાય માટે કેટલાક આદિવાસીઓ બીજા પ્રદેશમાં જાય છે, તોપણ મૂળ પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. દા. ત. આસામના ચાના બગીચામાં કામ કરતા સંથાલો બંગાળ કે બિહારને પોતાનું વતન ગણે છે.

5. અંતર્વિવાહી જૂથ

આદિવાસીઓ પોતાના જૂથમાં જ લગ્નસંબંધ બાંધે છે. વિવાહ કે લગ્ન માટેના આવા સમુદાયને અંતર્વિવાહી જૂથ કહેવામાં આવે છે. આદિવાસીઓનું ગોત્ર પ્રમાણે વિભાજન થયેલું હોય છે. તેઓ સામાન્ય રીતે સમાન ગોત્રી સાથે લગ્ન કરતા નથી. આમ, ગોત્રની દૃષ્ટિએ તેમનાં લગ્ન બહિર્વિવાહી હોય છે. અમુક આદિવાસી જાતિઓમાં અંતર્લગ્નની પ્રથા જોવા મળે છે. મોટાભાગની આદિવાસી જાતિઓ પિતૃસ્થાની છે, જોકે કેટલીક આદિજાતિઓ માતૃસ્થાની છે.

6. નિયમો અને વિધિનિષેધો

દરેક આદિવાસી જાતિમાં પારસ્પારિક વ્યવહાર માટે નિશ્ચિત નિયમો હોય છે. પ્રત્યેક આદિવાસી સમુદાયમાં જન્મ, મરણ, લગ્ન, મિલકત, વારસો, ધર્મ વગેરે બાબતોમાં નિશ્ચિત સામાજિક ધોરણો હોય છે. દા. ત. જન્મ-મૃત્યુને લગતા વિશિષ્ટ રિવાજો છે. મૃત્યુ પામેલ વ્યક્તિને દાટવાનો રિવાજ છે. તે વખતે મરનારની કેટલીક ચીજવસ્તુઓ જેવી કે કપડાં, હથિયાર વગેરે દાટવામાં આવે છે. લગ્નનું ક્ષેત્ર, પસંદગીનાં લગ્નો, લગ્ન પહેલાંના અને લગ્ન પછીના સંબંધો વગેરેના જુદા જુદા ખ્યાલો હોય છે.

7. રાજકીય સંગઠન અને પંચપ્રથા

આદિવાસીઓ તેમના વિસ્તાર પ્રમાણે જુદી જુદી શાસનવ્યવસ્થા નીચે હોય છે, પરંતુ આદિવાસી જાતિની રોજિંદી આંતરિક વ્યવસ્થા માટે જાતિપંચ કાર્ય કરે છે. આ જાતિપંચમાં મુખીનું સ્થાન મહત્ત્વનું છે. તેઓના જીવનમાં લગ્ન, મૃત્યુ જેવા પ્રસંગોમાં અને લડાઈ–ઝઘડામાં પંચ મદદરૂપ થાય છે. જાતિના બધા જ સભ્યો પંચના નિર્ણયને માને છે. ભારતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ પંચપ્રથા જેવી જ પ્રથા જોવા મળે છે.

8. સમાન સંસ્કૃતિ

દરેક આદિવાસી જાતિને તેની વિશિષ્ટ અને સમાન સંસ્કૃતિ હોય છે. જુદી જુદી અનુસૂચિત આદિજાતિઓ તેમનાં વિશિષ્ટ સાંસ્કૃતિક લક્ષણોથી એકબીજાથી જુદી પડે છે. દરેક આદિવાસી જાતિના ખાનપાન, ધર્મ, સામાજિક વિધિનિષેધો, ભાષા, લલિતકળાઓ વગેરે વિશિષ્ટ પ્રકારના હોય છે. આવા સાંસ્કૃતિક વિધિનિષેધોનું તેમની જાતિઓમાં દઢપણે પાલન થતું હોય છે. આદિવાસીની વિશિષ્ટ સંસ્કૃતિમાં પ્રાચીન સમયનાં કેટલાંક મૂલ્યો અભિવ્યક્ત થાય છે.

9. કાર્યવિશિષ્ટીકરણનો અભાવ

આદિવાસી જાતિઓનું સામાજિક જીવન તદ્દન સાદું હોય છે, તેથી તેઓના સમાજમાં કાર્યનું વિશિષ્ટીકરણ થયેલું હોતું નથી. વ્યક્તિની ઉંમર અને જાતિ પ્રમાણે કાર્યવિભાજન થયેલું હોય છે. તેઓનાં આજીવિકા મેળવવાનાં સાધનો સીમિત હોય છે. તેઓ આધુનિક ટેકનિકલ બાબતો વિશે જાણતા હોતા નથી. આ કારણથી તેઓના સમાજમાં કાર્યવિશિષ્ટીકરણ કરવું પડતું નથી. આદિવાસી સમાજમાં સ્ત્રીઓ પણ આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાયેલી હોય છે, તેથી આદિવાસી સ્ત્રીઓનો દરજ્જો બિન-આદિવાસી સ્ત્રીઓની સરખામણીમાં ઊંચો હોય છે.

10. યુવાગૃહો

આદિવાસીઓમાં યુવાનોનાં સંગઠનોનો વ્યવસ્થિત વિકાસ જોવા મળે છે. આવાં સંગઠનો યુવાગૃહોના નામે ઓળખાય છે. ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને મધ્ય ભારતની જુદી જુદી આદિવાસી જાતિઓમાં યુવાગૃહો જોવા મળે છે. યુવાગૃહો સંયુક્ત અને વિભક્ત હોય છે. સંયુક્ત યુવાગૃહોમાં યુવાનો અને યુવતીઓ સાથે રહે છે, જ્યારે વિભક્ત યુવાગૃહોમાં છોકરા-છોકરીઓ અલગ અલગ નિવાસ કરતા હોય છે.

11. દરજ્જાની સભાનતા

આદિવાસી જાતિઓનો ભારતની પરંપરાગત વર્ણવ્યવસ્થામાં સમાવેશ થયો નથી. સંશોધનોથી એમ જાણી શકાયું છે કે કેટલીક આદિવાસી જાતિઓ પોતાના દરજ્જાથી સભાન હોય છે. અમુક આદિવાસી જાતિઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર જાતિમાં સ્થાન ધરાવે છે. કેટલીક આદિવાસી જાતિઓમાં દરજ્જાનો શ્રેણીક્રમ જોવા મળે છે. તે પ્રમાણે કેટલીક જાતિઓ પોતાને ઉચ્ચ દરજ્જાની, કેટલીક જાતિઓ પોતાને મધ્યમ દરજ્જાની અને કેટલીક જાતિઓ પોતાને નિમ્ન દરજ્જાની માને છે. આનો અર્થ એ છે કે વિવિધ આદિવાસી જાતિઓ દરજ્જાથી સભાન છે.

12. ધર્મ

આદિવાસીઓના જીવનમાં ધર્મ અને જાદુનું ખૂબ જ મહત્ત્વ છે. ધર્મ વિશેની પ્રત્યેક જાતિની માન્યતા, દેવોનું સ્વરૂપ વગેરે જુદા જુદા હોય છે. આવી માન્યતાઓ અને શ્રદ્ધાઓને લીધે તેઓ નીચી ગણાતી હિંદુ જાતિ કરતાં પણ જુદા પડે છે. ભારતના બૈગા આદિવાસીઓ તેમના જાદુ માટે જાણીતા છે. આદિવાસીઓ જુદા જુદા પ્રકારની ગૂઢ શક્તિમાં વિશ્વાસ ધરાવે છે. ઝાડ, પર્વત, ઝરણા, પાળિયા, જંગલ, પ્રાણી વગેરેમાં તેઓ ગૂઢ શક્તિનું આરોપણ કરે છે. આવી ગૂઢ શક્તિઓને પ્રસન્ન કરવા માટે તેઓ મરઘા, કૂકડા, પાડા, બકરા વગેરેનો બલિ અર્પણ કરે છે.

13. વ્યવસાય

મોટાભાગની આદિવાસી જાતિઓ ખેતી અને ખેતમજૂરીના કાર્યમાં જોડાયેલી હોય છે. પશુપાલન, જંગલને લગતાં કાર્યો, માછીમારી, શિકાર વગેરે વ્યવસાયોમાં જોડાયેલા આદિવાસીઓની સંખ્યા ત્રણ ટકા જેટલી હોય છે. ગૃહઉદ્યોગ, હસ્તકળા, બાંધકામ અને ખાણઉઘોગોમાં તેઓ અલ્પ પ્રમાણમાં કાર્ય કરે છે. જુદી જુદી નોકરીઓમાં પણ 5 ટકા જેટલા આદિવાસીઓ જોડાયેલા છે. આજે આદિવાસીઓએ ઉદ્યોગ, વ્યાપાર, શિક્ષણ વગેરે વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે.

14. શિક્ષણ

મોટાભાગના આદિવાસીઓ નિરક્ષર હોય છે. બ્રિટિશ શાસનમાં અને સ્વતંત્રતા પછી તેમને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તેમની સાક્ષરતાનું પ્રમાણ ઈ.સ. 1991માં 29.6 ટકા જેટલું હતું. સરેરાશ રાષ્ટ્રીય સાક્ષરતા 52.21 ટકા હોય તેની સામે આદિવાસીઓની સાક્ષરતા ઘણી ઓછી ગણાય. સ્વતંત્રતા પછી તેમના પ્રદેશમાં શાળાઓ ખોલવામાં આવી છે, પરંતુ ખેતી અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં બાળકો રોકાયેલાં હોવાથી શાળાએ મોકલવામાં આવતાં નથી. શિક્ષણની કંઈ કિંમત નથી એવા રૂઢ ખ્યાલથી અને અન્ય કારણોથી બાળકો શાળાનો અભ્યાસ અધૂરો છોડી દે છે.

ઉપસંહાર

ભારતની કુલ વસ્તીના આશરે 8.6 ટકા વસ્તી ધરાવતા આદિવાસીઓને ‘ગિરિજનો, ‘વનવાસી’, ‘મૂળ વતનીઓ’ વગેરે તરીકે ઓળખવામાં આવે છે. ભારતના બંધારણ પ્રમાણે આદિવાસીઓ ‘અનુસૂચિત આદિજાતિ’ તરીકે ઓળખાય છે. ડૉ. વિદ્યાર્થી અને રાય જણાવે છે કે આદિવાસીઓ ભારતની વસ્તીનો અંતર્ગત ભાગ છે. તેઓનું સમાજજીવન, ધાર્મિક માન્યતાઓ, ભાષા-બોલી, સંસ્કૃતિ વગેરેએ તેમને લાક્ષણિક જીવન બક્યું છે. જોકે જંગલો, પહાડી પ્રદેશો અને પ્રાકૃતિક રીતે અલગતા ધરાવતા પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસીઓ સભ્ય સમાજના સંપર્કમાં આવતાં તેમનામાં અનેકવિધ પરિવર્તનો આવ્યાં છે. આજે ભારતમાં કેટલાક આદિવાસીઓમાં ઉપર દર્શાવેલાં લક્ષણો મહદંશે જોવા મળે છે, તો કેટલાકમાં આ લક્ષણો ઓછાં જોવા મળે છે તેમજ કેટલાક આદિવાસીઓ ઉચ્ચ શિક્ષણને પરિણામે અને સરકાર દ્વારા અપનાવેલા વિકાસ કાર્યક્રમોને પરિણામે મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ ગયા છે. આમ છતાં ભારતમાં અલગતા ધરાવતા પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસીઓમાં હજુ પણ અલગતા અને પછાતપણાનાં લક્ષણો જોવા મળે છે.

Leave a Comment